કાપડ ઉદ્યોગના કમુરતા ઉતર્યાં, તેજી આવતા હોળાષ્ટક પછીના દિવસો વેપારીઓ માટે શુકનના સાબિત થયા

surat textile market business update : અત્યાર સુધી રોજિંદા સવા સો ટ્રક માલ જતો હતો, જો કે હાલ લગ્નસરા અને રમઝાને લઈને રોજિંદા 300 જેટલી ટ્રકો રોજેરોજ અન્ય રાજ્યોમાં જઈ રહી છે. હાલ એક જ મહિનામાં 7500 કરોડનો વ્યવસાય થવાની શકયતા વ્યક્ત કરાઈ રહી છે

કાપડ ઉદ્યોગના કમુરતા ઉતર્યાં, તેજી આવતા હોળાષ્ટક પછીના દિવસો વેપારીઓ માટે શુકનના સાબિત થયા

ચેતન પટેલ/સુરત :હોળાષ્ટક બાદ સુરત કાપડ માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. કાપડ બજારમાં અત્યાર સુધી કોરોનાને કારણે મંદીના વાદળો મંડરાઈ રહ્યાં હતા, તે હવે હટી ગયા છે. અત્યાર સુધી રોજિંદા સવા સો ટ્રક માલ જતો હતો. જો કે હાલ લગ્નસરા અને રમઝાનને લઈને રોજિંદા 300 જેટલી ટ્રકો રોજેરોજ અન્ય રાજ્યોમાં જઈ રહી છે. હાલ એક જ મહિનામાં 7500 કરોડનો વ્યવસાય થવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. સાથે જ ટ્રાન્સપોર્ટેશનમાં પણ એક સપ્તાહ સુધીનું વેઈટીંગ આવી રહ્યું છે. જેને કારણે ટ્રાન્સપોર્ટેશનનો ધંધો પણ પાટે ચઢ્યો છે. 

બે વર્ષ સુરતના કાપડ માર્કેટને કોરોનાનું ગ્રહણ નડ્યું. પરંતુ હવે ધીરે ધીરે ઉદ્યોગ-ધંધા પાટા પર આવી રહ્યા છે, તેમ કાપડ માર્કેટની ગાડી પણ પાટા પર આવી છે. હાલ સુરતમાં ઠપ્પ પડેલા કારનામાઓમાં ફરીથી મશીનોના ટકાટકનો અવાજ સંભળાઈ રહ્યો છે. ખરીદારી વધી છે, તો સામે પ્રોડક્શન પણ શરૂ થયુ છે. છેલ્લાં 8 દિવસોથી વેપાર વધ્યો છે. જેને કારણે પાર્સલ ડિસ્પેચથી માંડીને અન્ય કામો શરૂ થઈ ગયા છે. એમ કહો કે, વેપારીઓના કુમરતા ઉતર્યા છે. હોળાષ્ટક પછીના દિવસો વેપારીઓ માટે શુકનના સાબિત થયા છે. લગ્નસરા અને રમઝાનને કારણે બહારગામના વેપારીઓની હોલસેલમાં ખરીદી શરૂ થઈ ગઈ છે. 

હોળાષ્ટક પછી લગ્નસરાની સીઝન શરૂ થઈ જતી હોય છે. માત્ર ચૈત્ર નવરાત્રિ દરમિયાન લગ્ન થતા નથી. ત્યારે હવે ઉત્તર ભારતથી માંગ શરૂ થઈ છે. ઉત્તર ભારતીય રાજ્યોમાંથી 200 થી 500 રૂપિયાની રેન્જની સાડીઓની ડિમાન્ડ વધી છે. જેથી હવે આગામી દિવસો સારા થશે તેવી વેપારીઓને આશા છે. 

ફોસ્ટાના ડિરેક્ટર રંગનાથ શારદા જણાવે છે કે, હાલ સુરતના કાપડ બજારમાં 40 ટકાથી વધુ કામ દેખાઈ રહ્યું છે અને લગ્નસરા તથા રમઝાનને કારણે બહારગામની ખરીદીનો લાભ કાપડ બજારના વેપારીને મળશે. અત્યાર સુધી રોજિંદા સવા સો ટ્રક માલ જતો હતો, જો કે હાલ લગ્નસરા અને રમઝાને લઈને રોજિંદા 300 જેટલી ટ્રકો રોજેરોજ અન્ય રાજ્યોમાં જઈ રહી છે. હાલ એક જ મહિનામાં 7500 કરોડનો વ્યવસાય થવાની શકયતા વ્યક્ત કરાઈ રહી છે. સાથો સાથ ટ્રાન્સપોર્ટેશનમાં પણ એક સપ્તાહ સુધીનું વેઈટિંગ આવી રહ્યું છે. આ ઉપરાંત વિવિધ એકમ એક પાળી ચાલતી હતી, તે હવે 3 પાળીમાં ચાલી રહ્યાં છે. આ સાથોસાથ પ્રોસેસિંગ યુનિટમાં પણ 3 દિવસ રજા હતી, જેમાં પણ પ્રોગ્રામની લાઈનો લાગી છે. જે રીતે માર્કેટમાં ખરીદી નીકળી રહી છે તેને લઈને વેપારીઓમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news