સમયસર વાવણી કરી મુહૂર્ત તો સચવાયું, પણ હવે ખેડૂતોને રોવાનો વારો આવ્યો, સૌરાષ્ટ્રમાં હાલત કફોડી

મેઘરાજા એક તરફ દક્ષિણ ગુજરાતમાં ભારે મેઘ મહેર કરી છે, તો સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદે વિરામ લેતા ખેડૂતો ચિંતીત બન્યા છે. પોરબંદર જિલ્લામાં 90 ટકા ખેડૂતોએ વાવણી કર્યા બાદ વરસાદ ખેંચાતા જગતનો તાત પોતાના ઉભા પાકને બચાવવા મેઘરાજા પાસે વરસાદ વરસાવવા પ્રાથના કરી રહ્યો છે.
સમયસર વાવણી કરી મુહૂર્ત તો સચવાયું, પણ હવે ખેડૂતોને રોવાનો વારો આવ્યો, સૌરાષ્ટ્રમાં હાલત કફોડી

અજય શીલુ/પોરબંદર :મેઘરાજા એક તરફ દક્ષિણ ગુજરાતમાં ભારે મેઘ મહેર કરી છે, તો સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદે વિરામ લેતા ખેડૂતો ચિંતીત બન્યા છે. પોરબંદર જિલ્લામાં 90 ટકા ખેડૂતોએ વાવણી કર્યા બાદ વરસાદ ખેંચાતા જગતનો તાત પોતાના ઉભા પાકને બચાવવા મેઘરાજા પાસે વરસાદ વરસાવવા પ્રાથના કરી રહ્યો છે.

સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વાયુ વાવાઝોડાની અસરના પગલે આજથી 18 દિવસ પૂર્વે જિલ્લામાં સરેરાશ ત્રણ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. આ વરસાને આધારે જિલ્લાના મોટાભાગના ખેડૂતોએ આ વિસ્તારના મહત્વના એવા મગફળી અને કપાસ સહિતનુ વાવેતર કરી દીધુ હતુ. લાંબા વર્ષો બાદ વાવણીનું મુહૂર્ત સચવાયું હોવાથી ખેડૂતો હરખાયા હતા. પરંતુ ત્યારબાદ એક વખત પણ વરસાદ નહી વરસતા ખેતરોમાં ઉગેલા પાક મુરઝાવા લાગતા ખેડૂત ચિંતીત બન્યા છે. છેલ્લા બે ત્રણ વર્ષથી અનેક જિલ્લાઓમાં વરસાદનુ પ્રમાણ ઓછુ રહેતા હાલમાં તળમાં પણ પાણી નહી હોવાથી ખેડૂતોને પોતાના પાક બચાવવા માટે વરસાદ પર જ નિર્ભર બન્યા છે. જિલ્લામાં જે ખેડૂતો પાસે થોડુ ઘણુ જે પાણી બચ્યુ છે
તેનો ઉપયોગ સુકાઈ રહેલ પાકને જીવતદાન આપવાના પ્રયાસો કરી રહ્યા છે. તો અમુક સ્થળો પર ખેડૂતો પાકને બચાવવા પાણીના ટેન્કરનો પણ સહારો લઈને વાવતેર કરેલ મગફળીમાં પિયત કરી રહ્યા છે. હાલ તો સમગ્ર જિલ્લાના ખેડૂતો ભગવાન પાસે એક જ પ્રાથના કરતા જોવા મળી રહ્યા છે કે વહેલીતકે મેઘમહેર થાય જેથી તેઓ આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવી શકે અને પોતે કરેલા લાખો રૂપિયાનુ રોકાણ એળે ન જાય.

પોરબંદર જિલ્લામાં ખેડૂતોએ આ વર્ષે કરેલ કુલ વાવેતર અને હાલમાં પાકની પરિસ્થિતિ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી જે.એન પરમારે જણાવ્યું કે, આપણા જિલ્લાનો જે મુખ્ય પાક મગફળી છે. તેનુ જિલ્લામાં 65700 હેક્ટર જેટલુ વાવેતર થયુ છે. જ્યારે કપાસનુ કુલ વાવેતર 9100 જેટલુ થયુ છે, બીજા અન્ય પાકમાં ઘાસચારો અને શાકભાજીનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યુ છે. જિલ્લામાં કુલ 82000 હેક્ટર જેટલુ વાવેતર થયેલુ છે. હાલમાં જે વાવેતર થયુ છે તેની પાક પરિસ્થિતિ સામાન્ય છે. હજુ વરસાદ થઈ જાય તો પાક ખુબ સારો થઈ જાય તેમ છે તેથી આપણે ભગવાન પાસે પ્રાથના કરીએ કે વરસાદ થઈ જાય.

પોરબંદરના પાલખડા ગામના ખેડૂત અમિત જોશી કહે છે કે, વરસાદની ખેંચના કારણે હાલ તો પોરબંદર જિલ્લાના ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ જ કપરી બની છે. છેલ્લા બે ત્રણ વર્ષથી જે રીતે પોરબંદર જિલ્લામાં ચોમાસુ નબળુ જોવા મળ્યુ છે તેના કારણે ખેડૂતો ભારે આર્થિક ભીંસમાં આવી ગયા છે. આ વર્ષે પણ ખેડૂતોએ મોંઘા બિયારણો અને ખાતરોની ખરીદી કરીને પાકનુ વાવેતર કર્યુ છે, ત્યારે વરસાદની ખેંચના કારણે તેઓએ ચિંતીત બન્યા છે. આમ છતાં ખેડૂતો આશા સેવી રહ્યા છે કે, મેઘરાજાની અમી દ્રષ્ટિ તેમના પર થાય જેથી તેઓ આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવી શકે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news