પૂજા કરવા ન બોલાવતા ગુસ્સે થયેલા ગોર મહારાજે એવો ધક્કો માર્યો, કે યજમાનનું જ મોત થયું

Crime News : જેતપુર તાલુકાના રબારીકા ગામે આજે એક અકલ્પનિય બનાવ બન્યો હતો, પારંપરિક ગોરને બદલે અન્ય ગોરને બોલાવતા યજમાન સાથે માથાકૂટ કરી, અમૃતલાલ નામના ગોરે ધક્કો મારતા યજમાન રવજી ભાઈ રાઠોડ નીચે પટકાતા મોત નિપજ્યું

પૂજા કરવા ન બોલાવતા ગુસ્સે થયેલા ગોર મહારાજે એવો ધક્કો માર્યો, કે યજમાનનું જ મોત થયું

Rajkot Crime News નરેશ ભાલિયા/જેતપુર : જેતપુરના રબારીકા ગામે પિતૃ કાર્યના હવન દરમિયાન અજીબ ઘટના બની હતી. ગામમાં એક સમાજના પારંપરિક કર્મકાંડ કરતા ગોર મહારાજની દક્ષિણા વધુ લાગતા હવનમાં અન્ય ગોરને બોલાવતાં પારંપરિક ગોર મહારાજ ગુસ્સે ભરાયા હતા. ગોર મહારાજે યજમાન સાથે બોલાચાલી કરી તેને ધક્કો માર્યો હતો. જેથી યજમાનનું માથું જમીન સાથે ટકરાતા તેનું મોત નિપજ્યું હતું. 

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના રબારીકા ગામે રાઠોડ પરિવારને પિતૃ કાર્યોનો ગામમાં એક હવનનું આયોજન કર્યુ હતું. જેમાં હવનમાં યજમાન તરીકે રવજીભાઈ રાઠોડ નામના સેવાભાવી વૃદ્ધ સેવા બજાવતા હતાં. હવન ચાલુ હતું તે દરમિયાન રાજકોટ રહેતા અમૃતલાલ દવે નામના ગોર મહારાજ, કે જે રબારીકા ગામના ખાંટ રાજપૂત ક્ષત્રિય સમાજના પારંપરિક કર્મકાંડ કરવાનું કામ કરતાં હતા. તેઓ હવન સ્થળે આવી બોલાચાલી કરવા લાગ્યા હતા. 

તેઓએ યજમાન વૃદ્ધે ગોર મહારાજને કહ્યું હતું કે,તમે અમને હવનના કર્મકાંડના 11 હજાર કહ્યા હતા, જે અમને પરવડે તેમ ન હોવાથી અમને ઓછી દક્ષિણા લેતા બીજા ગોર મહારાજને બોલાવવા પડ્યા. આ વાતથી અમૃતલાલ દવે ગુસ્સે ભરાયા હતા. તેઓએ યજમાન રવજીભાઈ સાથે ગાળાગાળી કરી તેનો ધક્કો માર્યો હતો. જેથી રવજીભાઈ ઘરમાં રહેલ પાણીયારાની પથ્થરની પાટ સાથે તેનું માથું ટકરાયું હતું. તેમને માથાના પાછળના ભાગે ઇજા પહોંચતા તેઓ બેભાન થઈ ગયાં. જેથી તેઓને સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી સારવાર માટે જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. 

પરંતું તેમને હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના ડોકટરે રવજીભાઈને મૃત જાહેર કર્યા હતાં. સામાન્ય બાબતે બોલાચાલીનો બનાવ યજમાનના મોતમાં પરિણમતા પોલીસે મૃતકના મોતનું સચોટ કારણ જાણવા ફોરેન્સિક પીએમ માટે રાજકોટ મેડીકલ કોલેજ ખાતે મૃતદેહ મોકલવામાં આવ્યો હતો. બીજીબાજુ પોલીસે મૃતક રવજીભાઈના પુત્ર હિતેશની ફરીયાદ પરથી અમૃતલાલ દવે ગોર સામે ગેર ઇરાદે હત્યાની આઈપીસી ૩૦૪ હેઠળ ગુન્હો દાખલ કરી તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news