હર્ષ સંઘવીની દોડાદોડી પણ આ 3 બેઠકો પર ક્ષત્રિયો નડશે, ભાજપે 7 જિલ્લામાં ચોપર ઉડાડ્યું

Loksabha Election 2024: ક્ષત્રિય સમાજ છેલ્લા કેટલાક સમયથી જે માગ કરી રહ્યો હતો તે સ્વીકારવામાં ન આવી .રૂપાલાની ટિકિટ રાજકોટથી રદ થાય તે માગ ભાજપે ન જ સ્વીકારી તો ક્ષત્રિયોએ આંદોલન પાર્ટ-2 શરૂ કર્યું છે. ક્ષત્રિયો હવે ખુલ્લીને ભાજપના વિરોધમાં લાગી ગયા છે, તેની અસરો પણ દેખાવા લાગી છે. બીજી તરફ ભાજપે પણ ડેમેજ કંટ્રોલ માટે તમામ પ્રયાસો શરૂ કર્યા છે. ગૃહરાજ્ય મંત્રીથી લઈ સંગઠન મહામંત્રી ક્ષત્રિયોને મનાવવા માટે પ્રયાસોમાં લાગેલા છે.

હર્ષ સંઘવીની દોડાદોડી પણ આ 3 બેઠકો પર ક્ષત્રિયો નડશે, ભાજપે 7 જિલ્લામાં ચોપર ઉડાડ્યું

Loksabha Election 2024: પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં ન આવતા ગુજરાતના ક્ષત્રિયો ભાજપથી નારાજ છે. એવા નારાજ કે તેમણે ખુલ્લીને ભાજપને હરાવવાનો સંકલ્પ લીધો છે. રાજકોટથી રૂપાલા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં ભાજપને ડેમેજ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ક્ષત્રિયોની સંકલન સમિતિ રોજ નવી નવી રણનીતિઓ બનાવી આંદોલનને જીવતું રાખવાના પ્રયાસમાં લાગેલું છે. 

બીજી તરફ જેમ જેમ મતદાન નજીક આવતું જાય છે તેમ તેમ ભાજપે પણ ડેમેજ કંટ્રોલની કવાયત તેજ કરી દીધી છે. ભાજપમાંથી કમાન ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હાથમાં ઉપાડી છે. સંઘવી રાજ્યના અલગ અલગ બેઠક પર જઈને ક્ષત્રિય આગેવાનો અને નેતાઓ સાથે બંધબારણે બેઠક કરી રહ્યા છે. જ્યાં સંઘવીએ બનાસકાંઠા પહોંચી બંધબારણે બેઠક યોજી સમજાવટનો પ્રયાસ કર્યો હતો...ત્યારપછી કચ્છ, ભાવનગરમાં પણ બંધબારણે ક્ષત્રિયોને સમજાવાયા હતા.

ડેમેજકંટ્રોલ માટે હર્ષ સંઘવીની સાથે સંગઠન મહામંત્રી રત્નાકર પણ લાગેલા છે. તમામ બેઠકો ગુપ્ત યોજાઈ રહી છે, તેની અસર કેટલી થાય છે તે તો પરિણામ પછી જ ખબર પડશે. પરંતુ ક્ષત્રિયોની રણનીતિ પછી ભાજપ પણ પોતાની અલગ રણનીતિ પર કામ કરતું હાલ જોવા મળી રહ્યું છે. ક્ષત્રિયોના આંદોલનની અસર રાજકોટની સાથે જામનગર, ભાવનગર અને સુરેન્દ્રનગર પર થાય તેવા એંધાણ છે. કારણ કે આ ત્રણેય બેઠક પર ક્ષત્રિય સમાજના મત સારા એવા પ્રમાણમાં છે. જો કે અન્ય સમાજના મત વન સાઈડ પડે તો ભાજપની સારી લીડથી જીત થઈ શકે છે. તેથી ભાજપ હાલ તમામ નાની નાની બાબતોનું મંથન કરીને આગળ વધી રહ્યું છે. તો જેના કારણે સમગ્ર વિવાદ થયો છે તે રાજકોટથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા પણ અવાર નવાર ક્ષત્રિય સમાજને અપીલ કરતાં જોવા મળી રહ્યા છે.

તો રૂપાલાનો વિવાદ હજુ શાંત થયો નથી ત્યાં ભાજપના વધુ એક નેતાએ બફાટ કર્યો છે. તેમણે આપેલા નિવેદનને કારણે ક્ષત્રિય સમાજમાં રોષ છે. જો કે આ નેતાએ નિવેદન બાદ માફી પણ માગી લીધી છે. બફાટ કરતાં નેતાઓને એક જાગૃત મીડિયા તરીકે અમારે કહેવું છે કે, એવું નિવેદન શું કામ આપો છો કે પાછળથી માફી માંગવી પડે?...કેમ ચૂંટણી ટાણે જ તમારી જીભ લપસી જાય છે?. જનપ્રતિનિધિ કોઈને નીચા દેખાડી મોટો ન બની શકે. તે તમામ સમાજને સાથે લઈને ચાલનારો હોવો જોઈએ. આ મામલે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ પણ રોષ ઠાલવી જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ સામે કાર્યવાહીની માગ કરી છે. 

ક્ષત્રિય સમાજે હવે ખુલ્લીને ભાજપ સામે વિરોધ શરૂ કરી દીધો છે અને તમામ ઝોનમાંથી ધર્મ રથ કાઢવાની રણનીતિ બનાવી છે. આ ધર્મ રથ વિવિધ વિસ્તોરમાં ફરીને ભાજપને ડેમેજ કરવાનો પ્રયાસ કરશે. ધર્મરથ માટે ક્ષત્રિયોએ ખાસ રણનીતિ પણ બનાવી છે. સાથે જ ફરી એકવાર મહાસંમેલનોના પણ આયોજન કર્યા છે. ત્યારે જોવાનું રહેશે કે ક્ષત્રિયોનો આ રોષ મતદાન પેટીમાં કેટલો અસર કરી શકે છે તે જોવાનું રહેશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news