ભણતર કરતા ગણતર વધારે ચડિયાતું સાબિત થયું, વર્લ્ડ લીવર ડેના દિવસે થયું 150 મું અંગદાન

Organ Donation : ‘વર્લ્ડ લીવર ડે’ ના દિવસે થયું 150 મું અંગદાન : એક લીવર, બે કીડનીનું દાન મળ્યું, અમદાવાદ સિવિલ હોસ્પિટલની અંગદાન ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ, ત્રણ વર્ષમાં ૧૫૦ અંગદાન કરાયા 

ભણતર કરતા ગણતર વધારે ચડિયાતું સાબિત થયું, વર્લ્ડ લીવર ડેના દિવસે થયું 150 મું અંગદાન

World Liver Day 2024 : અમદાવાદ સિવિલ હોસ્પિટલે આદરેલા અંગદાનના સેવાયજ્ઞમાં ગઈકાલે ૧૫૦માં અંગદાતાનુ દાન મળ્યું છે. અમદાવાદ સિવિલમાં વિશ્વ લીવર દિવસના દિવસે ૧૫૦ મું અંગદાન થયું છે. અંગદાનની સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા દિલીપ દેશમુખ (દાદા)નાં અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમ થી સિવિલ હોસ્પિટલમાં ૧૫૦મું અંગદાન થયું. સિવિલ હોસ્પિટલના સુપરીટેન્ડન્ટે 150 અંગદાનની સિદ્ધિ ટીમ વર્ક અને કર્તવ્યનિષ્ઠાનું પરિણામ ગણાવ્યું.

૧૫૦માં અંગદાનની વાત કરીએ તો ડીસા ના રહેવાસી અને મજૂરી કામ કરતાં અર્જુનજી ઠાકોર ૧૭-૦૪-૨૦૨૪ ના માર્ગ મુસાફરી કરી રહ્યા હતા તે દરમિયાન ડીસા પાટણ હાઇવે પર બાઇક સ્લીપ થતાં માથાના ભાગે ગંભીર ઈજા થઈ‌. જેથી તેઓને પ્રાથમિક સારવાર અર્થે પ્રથમ ડીસા સિવિલ હોસ્પિટલ માં દાખલ કરેલ. અત્રે નોંધનીય બાબત એ છે કે, અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દિલીપ દેશમુખ (દાદા) દ્વારા સમગ્ર ગુજરાતમાં જે અંગદાન જનજાગૃતિનું અભિયાન ચલાવવામાં આવ્યું છે. તે અંતર્ગત દિલીપ દેશમુખ દાદાનાં અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના સેવા કર્મીઓને અર્જુનભાઈનાં બ્રેઈનડેડ હોવાની જાણ થઈ હતી. જેથી દિલીપ દેશમુખ દાદા અને તેમની ટીમે અર્જુનજી ના સગાનો સંપર્ક કરી તેમને બ્રેઈન ડેડ અને અંગદાન વિશે સમજ અપાઈ હતી. આ બાદ આગળની કાર્યવાહી અર્થે સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે વાત કરી તાત્કાલીક સિવિલ હોસ્પિટલમાં શિફ્ટ કર્યા. સિવિલ હોસ્પિટલ માં ૧૮-૦૪-૨૦૨૪ ના રોજ ડોક્ટરોએ અર્જુનજીનાં એપનીઆ ટેસ્ટ બાદ બ્રેઈન ડેડ જાહેર કર્યાં હતા.

ભણતર કરતા ગણતર વધારે ચડિયાતું થયું
ડીસા તાલુકાના સાવિયાલા ગામના સરપંચ ઠાકોર રસિકજી રતુજીએ અર્જુનજી ઠાકોરના બ્રેઈન ડેડ હોવાની જાણ થતા તરત જ પોતાનો માનવધર્મ સમજી અર્જુનજીનાં પત્ની, ભાઈ તથા તેમના અન્ય સ્વજનોને અંગદાન વિષે સમજાવ્યા. જેથી અર્જુનજીનાં તમામ સ્વજનોએ તેમના અંગોના દાન થકી બીજા ત્રણ જરૂરિયાત મંદ વ્યકિતઓને જીવનદાન આપવાનો ઉમદા નિર્ણય કર્યો હતો. 

આ વિશે વાત કરતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષીએ આ ક્ષણે જણાવ્યું હતું કે અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલ અંગદાનના આ મહાયજ્ઞમાં આજે એક નોંધપાત્ર સિધ્ધી હાંસલ થઈ છે. જેમાં આજદિન સુધીમાં કુલ ૧૫૦ અંગદાન થયા છે. જેના દ્વારા કુલ ૪૮૩ અંગોનું દાન મળ્યું છે. જે થકી ૪૬૭ લોકોને નવજીવન પ્રદાન થયું છે. આજે વર્લ્ડ લીવર ડે નાં દિવસે થયેલા અંગદાનથી બે કિડની અને લીવરનું દાન મળ્યું છે. જેને સિવિલ હોસ્પિટલ કેમ્પસની જ કિડની હોસ્પિટલમાં જરૂરિયાત મંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામા આવશે. 

બ્રાન્ડેડ વ્યક્તિના અંગોને રીટ્રાઈવ કરતા પહેલા એક પ્રાર્થના કરવામાં આવે છે આજે થયેલ પ્રાર્થનામાં કિડની ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર ડૉ‌.પ્રાંજલ મોદી અને યુ.એન. મહેતા ઇન્સ્ટીટ્યુટના ડાયરેક્ટર ડૉ. ચિરાગ દોશી પણ હાજર રહ્યા હતા. દિલીપ દેશમુખ દાદાનાં અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામા આવેલ જન જાગૃતિ અભિયાનનાં લીધે આજે ગામેગામ છેવાડાનો માણસ પણ અંગદાનની મહત્તા સમજતો થયો છે. સિવિલ હોસ્પિટલ ખાતે આ સાથે અત્યાર સુધીમાં કુલ ૧૫૦ અંગદાતાઓ થકી કુલ ૪૮૩અંગોનું દાન મળ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news