400થી વધુ સીટ જીતવાના દાવા પણ આ 11 રાજ્યોમાં તો ભાજપ માટે ખાતું ખોલવું એ જ મોટો પડકાર

Lok Sabha Election 2024: આ વખતે ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે મિશન 400 નક્કી કર્યુ છે. જે હેઠળ 400થી વધુ બેઠકો જીતવાનો દાવો થઈ રહ્યો છે.  પરંતુ દેશના 11 રાજ્યો એવા છે કે જ્યાં ભાજપ ખાતું ખોલાવવામાં પણ અસફળ રહ્યું છે. આવામાં સવાલ એ ઉઠે છે કે શું ભાજપને આ દાવામાં સફળતા મળી શકશે ખરી?

400થી વધુ સીટ જીતવાના દાવા પણ આ 11 રાજ્યોમાં તો ભાજપ માટે ખાતું ખોલવું એ જ મોટો પડકાર

Lok Sabha Election 2024: ભાજપે આ વખતે લોકસભા ચૂંટણીમાં પોતાના માટે મિશન 400 નક્કી  કર્યું છે. ચૂંટણીમાં 400 સીટ જીતવાનો દાવો થઈ રહ્યો છે. ભાજપને 'મોદીની ગેરંટી' પર અખૂટ વિશ્વાસ છે. પરંતુ જો 2019ના પરફોર્મન્સને આધાર બનાવીએ  તો હાલ ભાજપ માટે આ કહેવું થોડું મુશ્કેલ સાબિત થશે. દક્ષિણ ભારતીય રાજ્યોમાં ભાજપના ખરાબ પ્રદર્શનનો મુદ્દો તો છે જ પરંતુ દેશના 11 રાજ્યો એવા છે કે જ્યાં ભાજપ ખાતું ખોલાવવામાં પણ અસફળ રહ્યું છે. આવામાં સવાલ એ ઉઠે છે કે શું ભાજપને આ દાવામાં સફળતા મળી શકશે ખરી?

ત્રણ ભાગમાં વહેંચી શકાય પરફોર્મન્સ
2019ની ચૂંટણીના દેખાવના આધારે ભાજપે આ વખતની લોકસભા ચૂંટણી માટે યોજના ઘડી છે. 2019માં ભાજપને 303 બેઠકો મળી હતી જ્યારે ભાજપના નેતૃત્વવાળા ગઠબંધન NDA ને 350 બેઠકો મળી હતી. એવામાં જોઈએ તો ભાજપ ગઠબંધન NDA એ મિશન 400 માટે ફક્ત 50 બેઠકો જ વધારવાની છે. પરંતુ આ જેટલું દેખાય છે તેટલું સરળ નથી. જો 2019 પ્રમાણે ભાજપનો દેખાવ જોઈએ તો પહેલા એવા રાજ્યો આવે કે જ્યાં ભાજપે ક્લીન સ્વીપ કર્યું હતું એટલે કે તમામ બેઠકો જીતી હતી. એવા 10 રાજ્યો છે. ત્યારબાદ એવા રાજ્યો આવે જ્યાં ભઆજપે તમામ બેઠકો હારી હતી એટલે કે ખાતું પણ ખૂલ્યું નહતું અને આવા 11 રાજ્યો છે. ત્યારબાદ એવા રાજ્યો લઈએ જ્યાં ભાજપ પોતે મજબૂત છે અને તેના સહયોગીઓ પણ એટલા મજબૂત હતા જેના સહારે એકબીજા માટે સીટો મેળવવામાં સફળ રહ્યા. 

11 રાજ્યો જ્યાં ભાજપને 0 સીટ
લોકસભા ચૂંટણી 2019માં એવા 11 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો હતા જ્યાં ભાજપનું ખાતું પણ ખૂલ્યું નહતું. એટલે કે કોઈ સીટ મળી નહતી. આ રાજ્યોમાં આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, કેરળ, મેઘાલય, સિક્કિમ, પુડુચેરી, આંદમાન નિકોબાર ટાપુઓ, નાગાલેન્ડ, મિઝોરમ, લક્ષદ્વીપ અને દાદરા તથા નાગર હવેલી સામેલ છે. 

જીતવું કેમ જરૂરી
સ્પષ્ટ છે કે જો 400 બેઠકો મેળવવી હોય તો આ માટે ભાજપ અને તેના સહયોગી પક્ષોએ જ્યાં એક પણ સીટ નથી મળી તેવા આ 11 રાજ્યોમાં દેખાવ સુધારવો ખુબ જરૂરી છે. જેમાંથી 3 સૌથી મહત્વના રાજ્યો છે તે છે આંધ્ર પ્રદેશ (25 બેઠક), તમિલનાડુ (39 બેઠક), કેરળ (20 બેઠક) છે. જેમાં લોકસભાની 85 બેઠકો પડે છે. આ ઉપરાંત મેઘાલય (2), જ્યારે મિઝોરમ, નાગાલેન્ડ, લક્ષદ્વીપ, સિક્કીમ, આંદમાન અને નિકોબાર ટાપુઓ, પુડુચેરી, તથા દાદરા અને નાગર હવેલીમાં 1-1 લોકસભા બેઠક છે. આવામાં જોઈએ તો આ 11 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 93 લોકસભા સીટો છે જે 543 સીટોનો એક મોટો હિસ્સો છે. જો આ સીટો હટાવી દેવામાં આવે તો બાકી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 443 સીટો જ બચે છે એટલે કે આ બેઠકોના દમ પર ભાજપ ગઠબંધન 400 સીટનો આંકડો સ્પર્શી શકે નહીં. 

આ બેઠકો પર પહેલું ફોકસ
ભાજપે દક્ષિણ ભારતની આ 893 બેઠકોની ખોટ પૂરી કરવા માટે એવી 144 બેઠકો પર ફોકસ કર્યું છે જેના પર તે અથવા તો  તેમના સહયોગી પક્ષ બીજા કે ત્રીજા નંબરે હતા. ભાજપ 72 બેઠકો પર બીજા નંબરે હતું. ભાજપે આ સીટો મેળવવા માટે જ પોતાના ગઠબંધનમાં નાનામાં નાના પક્ષને પણ સામેલ કરવાની કોશિશ કરી છે. અનેક પક્ષો એવા પણ છે જેની અસર 5-6 બેઠકો સુધી સીમિત છે. પરંતુ તેમના જાતીય સમીકરણો ભાજપને બીજી અનેક બેઠકો પર ફાયદો પહોંચાડી શકે છે. જેનું મોટું ઉદાહરણ પશ્ચિમી યુપીમાં રાષ્ટ્રીય લોકદળ (આરએલડી) છે. લોકસભા ચૂંટણી 2019માં એક પણ સીટ ન જીતવા છતાં આરએલડી પશ્ચિમ યુપીની પ્રભાવી પાર્ટી છે. આવામાં આરએલડીને NDA માં સામેલ કરતાની સાથે જ ભાજપને સીધો 27 બેઠકો પર લાભ થતો દેખાય છે. જેના પર આરએલડી સમર્થક જાતિઓનું સારું એવું પ્રભુત્વ છે. 

દક્ષિણની નૈયા કેવી રીતે પાર પડશે?
ભાજપને ખબર છે કે જો મિશન 400 પાર પાડવું હોય તો તેણે દક્ષિણ ભારતીય બેઠકો મેળવ્યા વગર છૂટકો નથી. આથી બીજા-ત્રીજા નંબરની બેઠકો પર ફોક્સ કરવાની સાથે જ પાર્ટીએ દક્ષિણ ભારતમાં પણ પોતાનો દમ વધારવાની યોજના ઘડી છે. ભાજપે 5 રાજ્યોને ફોકસમાં રાખીને 129 બેઠકો માટે રણનીતિ ઘડી છે. જેમાં ભાજપના 0 સીટવાળા આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, કેરળ ઉપરાંત તેના સુધરેલા પરફોર્મન્સવાળા તેલંગણા અને દક્ષિણમાં એકમાત્ર ભગવો ગઢ કર્ણાટક પણ સામેલ છે. આ રાજ્યોમાં ભાજપે નવા સહયોગીઓ સાથે હાથ મિલાવ્યા છે અને જૂના સહયોગીઓની નારાજગી  દૂર કરીને ફરીથી તેમને જગ્યા આપી છે. 

જેનું તાજુ ઉદાહરણ આંધ્ર પ્રદેશમાં એનડીએની જૂની સાથી તેલુગુ દેશમ પાર્ટી ઉપરાંત ફિલ્મ સ્ટાર પવન કલ્યાણની જનસેના પાર્ટી સાથે મળીને ગઠબંધન કર્યું છે. જ્યારે કર્ણાટકમાં મજબૂત ખેડૂત નેતા એચડી દેવગૌડાની પાર્ટી જેડીએસ સાથે હાથ મિલાવ્યા છે. તમિલનાડુમાં પણ ભાજપ ભલે જયલલિતાના મોત બાદ નબળું પડ્યું અને AIDMKથી અલગ થયું પરંતુ તેણે તમિલ અભિનેતા આર. શરથકુમારની પાર્ટી અકિલા ઈન્ડિયા સામાથુવા મક્કલ કાચી એટલે કે AISMK અને TTV Dhinakaran ની પાર્ટી અમ્મા મક્કલ મુન્નેત્રા કાઝાગમ એટલે AMMK નો સાથ મળ્યો છે. 

ભારત માટે કેવો છે દક્ષિણ ભારતનો આ પડકાર?
ભાજપ પાસે વર્ષ 2019માં તેલંગણામાં લગભગ 20 ટકા મત, અને 17માંથી 4 લોકસભા સીટ હતી. જ્યારે કર્ણાટકમાં તેણે 28માંથી 25 બેઠકો જીતી હતી. આ રાજ્યોમાં આ વખતે પણ ભાજપનું પરફોર્મન્સ સારું રહેવાની શક્યતા છે. જો કે કર્ણાટકમાં ભાજપ વિધાનસભા ચૂંટણી હારી છે અને એવું માનવામાં આવે છે કે તેની અસર લોકસભા ચૂંટણીમાં પણ પડી શકે છે. કેરળમાં ભાજપને એક પણ સીટ મળી નહતી. પરંતુ ત્યાંની 20 બેઠકો પર 13 ટકા મત મળ્યા હતા એટલે કે જો પાર્ટીએ થોડી પણ મહેનત કરી હોય તો આ વખતે ખાતું ખૂલી શકે છે. સૌથી વધુ ચિંતા આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં છે.

બંને રાજ્યોમાં ભાજપ પહેલા કરતા વધુ મજબૂત સ્થિતિમાં

આ રાજ્યોમાં ભાજપની અસર 2019માં નહિવત હતી. આંધ્ર પ્રદેશમાં ભાજપને 1 ટકા મત અને તમિલનાડુમાં 4 ટકા મત જ મળ્યા હતા. જો કે ભાજપનો દાવો છે કે આ બંને રાજ્યોમાં ભાજપ પહેલા કરતા વધુ મજબૂત સ્થિતિમાં છે. તેનો નજારો હૈદરાબાદમાં ભાજપ નેતાઓની સતત હિન્દુસ્તવ સંલગ્ન ભાવનાઓને ભડકાવવાની કોશિશ અને તેને મળી રહેલા સ્થાનિક જનસમર્થનમાં જોવા મળે છે. પરંતુ આ જનસમર્થન વોટબેંકમાં કેટલો ફેરવાય તે તો લોકસભા ચૂંટણીના પરિણામ જ જણાવશે. 

Zee 24 kalakના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news