ગુજરાતીઓના ખ્વાબ ચકનાચૂર થયા, કેનેડામાં કાયમી વસવાટના ખ્વાબ છોડી રહ્યાં છે લોકો

Reverse Migration In India : કેનેડામાં પીઆર માટેની અરજીમાં મોટો ઘટાડો આવ્યો... 2022 ની સરખામણીમાં 2023 માં કેનેડામાં પીઆર માટે અરજી કરનારાઓની સંખ્યા ઘટી

ગુજરાતીઓના ખ્વાબ ચકનાચૂર થયા, કેનેડામાં કાયમી વસવાટના ખ્વાબ છોડી રહ્યાં છે લોકો

Canada News : ભારતીયોનો હવે કેનેડાથી મોહભંગ થયો છે. કેનેડામાં છેલ્લા કેટલાક સમયથી વણસેલી સ્થિતિને કારણે કેનેડામાં વસેલા અનેક ભારતીયો પરત ફરી રહ્યાં છે. તો જે લોકો વિદેશ જવા માંગે છે તેઓ કેનેડા જવા માંગતા નથી. ત્યારે એક આંકડો કહે છે કે, કેનેડામાં પીઆર માટેની ભારતીયોની અરજીમાં 62 ટકાનો ઘટાડો આવ્યો છે. વર્ષ 2023 ના છેલ્લા ત્રિમાસિક ગાળામાં ભારતીયોની પીઆર માટેની અરજીઓ 2022 ના છેલ્લા ત્રિમાસિકની સરખામણીમાં 19,579 થઈ છે. ભારતીયોની પીઆર અરજીમાં સીધો 62 ટકાનો ઘટાડો આવ્યો છે.

જેઓ કેનેડામાં હજી પણ સ્થાયી થવાના ખ્વાબ જોઈ રહ્યા છે તે લોકોએ હવે સમજી લેવુ પડશે કે ઈમિગ્રેશન પેટર્નમાં મોટો બદલાવ આવ્યો છે. જે ભારતીયો કેનેડામાં પીઆર માટે તલપાપડ રહેતા હતા, તેઓ હવે કેનેડામાં રહેવા પણ માંગતા નથી. સપ્ટેમ્બર, 2023 થી કેનેડામાં રિવર્સ માઈગ્રેશન શરૂ થયું છે, જેનુ કારણ ભારત કેનેડા વચ્ચેના સંબંધોમાં આવેલી તિરાડ છે. આ જ કારણ છે કે ભારતીયો કેનેડામાં કાયમી વસવાટના ખ્વાબ છોડી રહ્યાં છે. 

આંકડા કહે છે કે, ડિસેમ્બર 2023 માં કેનેડામાં કાયમી વસવાટ માટે કરાતી પીઆર અરજીઓમાં ઘટાડો આવ્યો છે. આ ઘટાડો સીધો 62 ટકાનો છે. ખાસ કરીને પંજાબના યુવકોમાં કેનેડા જઈને વસવાનો ક્રેઝ છે, પરંતુ તે ક્રેઝ પણ હવે ઓછો થતો નજર આવી રહ્યો છે. 

કેનેડા સરકારના ઈમિગ્રેશન રેફ્યુજિસ એન્ડ સિટીઝનશિપના આંકડા અનુસાર, વર્ષ 2022 ડિસેમ્બરમાં પીઆર માટે 16,796 અરજીઓ આવી હતી. જે ડિસેમ્બર, 2023 માં ઘટીને 6329 થઈ ગઈ છે. 

આ ઘટાડાનું કારણ
ગત સપ્ટેમ્બર 2023 માં ભારત અને કેનેડા વચ્ચે રાજકીય સંબંધો વણસ્યા હતા. ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યાના પડઘા ઈમિગ્રેશન સિસ્ટમ પર પડ્યાં છે. સાથે જ કેનેડામાં વિઝાના નિયમોમાં અનેક ફેરફાર કરાયા છે. ખાસ કરીને કેનેડાના હાઈસિંગ ક્રાઈસિસ ખુદ કેનેડા સરકારે જાહેરાત કરી છે. કેનેડા સરકારે સ્વીકાર્યું કે, બહારથી આવનારા લોકોને કારણે કેનેડામાં હવે ઘરની તંગી છે. તેથી વિઝા નિયંત્રણમાં અનેક કાપ મૂકાયા છે. આ જ કારણ છે કે, ભારતીયોનો કેનેડા પ્રત્યેનો મોહભંગ થયો છે.  

ઘર નહિ મળે તો ભાડા વધી જશે 
કેનેડામાં ડોલરમાં ખર્ચા કરવા પડે છે. આવામાં જો ઓછા ભાવમાં ઘર ન મળે તો સ્ટુડન્ટ વિઝા પર જઈ રહેલા વિદ્યાર્થીઓની હાલત વધુ કફોડી બનશે. પહેલાથી જ તેઓ એજ્યુકેશનનો માતબર ખર્ચો ઉઠાવે છે, તો કેટલાક એજ્યુકેશન લોનથી કેનેડા પહોંચી રહ્યાં છે. આવામાં જો ઘરના ભાવ ઉંચા વસૂલાત તો તેમના ખર્ચા વધી શકે છે.    

કેનેડામાં મકાનની અછત 
કેનેડાના આંકડા અનુસાર, સરકારી આંકડા મુજબ, સમગ્ર કેનેડામાં ઓછામાં ઓછા 3,45,000 મકાનોની અછત છે. પરિણામે ભાડા પણ આસમાને છે. હાલ સ્ટુડન્ટ વિઝા પર કેનેડા જઈ રહેલા વિદ્યાર્થીઓને ભાડાના મકાન નથી મળી રહ્યાં. શેરિંગ રૂમ પણ હાઉસફુલ જેવા છે. ઓન્ટારિયોમાં તેઓ રહેણાંક વિસ્તારોમાં પોતાની બેગ ખેંચીને ઘરે-ઘરે ફરી રહ્યા છે અને અજાણ્યા લોકો પાસેથી ભાડા પર જગ્યા માંગી રહ્યા છે. જો આ સ્થિતિ રહી તો વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાઈ શકે છે. તો કેટલાક વિદ્યાર્થીઓ ઘરના અભાવે મોટલમાં રહેવા મજબૂર બન્યા છે. જ્યાં તોતિંગ ભાડું ચૂકવી રહ્યાં છે. 

કેનેડા ગયેલા વિદ્યાર્થીઓને માત્ર ઘરની જ સમસ્યા નથી, તેઓને નોકરી મળવાના પણ ફાંફા પડી રહ્યાં છે. પાર્ટટાઈમ નોકરીઓ મળી નથી રહી. વિદ્યાર્થીઓ નાની નોકરીઓ માટે આમતેમ ભટકી રહ્યાં છે. સ્થિતિ એવી છે કે, પ્લેસમેન્ટ એજન્સી છાત્રોને નોકરી માટે હાયર કરતી નથી.  વિદ્યાર્થીઓનું કહેવુ છે કે, જો કેનેડામાં રહેવા અને નોકરીની સમસ્યા છે તો શા માટે કેનેડા સરકાર આટલી મોટી સંખ્યામાં વિઝા આપી રહી છે. એક તરફ અમારો ખર્ચો લાખોમાં થઈ રહ્યો છે, તેની સામે અમારા આવકના કોઈ સ્ત્રોત નથી. તો કરવાનું શું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news