આ ટબૂકડા મુસ્લિમ દેશે ઈઝરાયેલને હુમલાથી બચાવ્યું? અનેક મિસાઈલો હવામાં જ ઉડાવી દીધી, ઈરાન ભડક્યું

ઈઝરાયેલને આ હુમલામાં બચાવવામાં એક મુસ્લિમ દેશની મહત્વની ભૂમિકા જોવા મળી. આ દેશની એરફોર્સે ઈઝરાયેલની મદદ કરી અને ઈરાનને જોરદાર ઝટકો આપ્યો. જેના કારણે ઈરાન ધૂંધવાયું છે. તેણે વિનાશકારી અંજામ ભોગવવાની પણ ધમકી આપી છે. 

આ ટબૂકડા મુસ્લિમ દેશે ઈઝરાયેલને હુમલાથી બચાવ્યું? અનેક મિસાઈલો હવામાં જ ઉડાવી દીધી, ઈરાન ભડક્યું

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે તણાવ તો હતો જ...એક બાજુ રશિયા અને યુક્રેન વચ્ચેના તણાવની અસર પણ દુનિયા પર પડી છે ત્યારે હવે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે પણ તણાવ ભડકી ગયો છે. આખી દુનિયા તેના પગલે ચિંતાતૂર છે. ઈરાને એક એપ્રિલના રોજ સીરિયામાં પોતાના સૈન્ય અધિકારીઓના મોતનો બદલો લેવા માટે શનિવારે રાતે અને રવિવારે વહેલી સવારે ઈઝરાયેલ પર 300થી વધુ ડ્રોન અને બેલેસ્ટિક મિસાઈલો છોડ્યા. જો કે ઈઝરાયેલે અમેરિકા, બ્રિટન અને પોતાની એર ડિફેન્સ સિસ્ટમ આયર્ન ડોમની મદદથી 99 ટકા જેટલી મિસાઈલો તો હવામાં જ ઉડાવી દીધી. ફક્ત 7 મિસાઈલો ધરતી પર પડી. ઈઝરાયેલને જો કે આ હુમલામાં બચાવવામાં એક મુસ્લિમ દેશની મહત્વની ભૂમિકા જોવા મળી. આ દેશની એરફોર્સે ઈઝરાયેલની મદદ કરી અને ઈરાનને જોરદાર ઝટકો આપ્યો. જેના કારણે ઈરાન ધૂંધવાયું છે. તેણે વિનાશકારી અંજામ ભોગવવાની પણ ધમકી આપી છે. 

ઈરાનના ઓપરેશન ટ્રુ પ્રોમિસના જવાબમાં ઈઝરાયેલે ઓપરેશન બદલા શરૂ  કરવાની તૈયારી કરી છે. ઈઝરાયેલની જૂની આદત છે કે તે પોતાના દેશ પર થયેલા કોઈ પણ હુમલાનો આકરો જવાબ આપતું આવ્યું છે. હાલમાં જ હમાસના આતંકી હુમલાના જવાબમાં ઈઝરાયેલે જે કાર્યવાહી  કરી તેને દુનિયા જોઈ ચૂકી છે. હમાસના ગત વર્ષ 7 ઓક્ટોબરના હુમલાના જવાબમાં ઈઝરાયેલી સેનાએ ગાઝા પટ્ટીને સ્મશાન ઘાટ બનાવી દીધો છે. ગાઝા પટ્ટીમાં અધિકૃત રીતે મૃતકોની સંખ્યા 33 હજારને પાર કરી ગઈ છે. હવે ઈરાન પર ઈઝરાયેલના આ કહેરનું જોખમ તોળાઈ રહ્યું છે. 

જો કે ઈઝરાયેલે એ સ્પષ્ટ નથી કર્યું કે હુમલો ક્યારે ક્યારે અને ક્યાં કરવામાં આવશે. પરંતુ ઈઝરાયેલે રવિવારે વોર બેઠક બોલાવીને એ સંકેત જરૂર આપી દીધા કે તે આ હુમલાને જરાય હળવાશમાં લેશે નહીં. ઈઝરાયેલે કહ્યું કે અમેરિકા અને અન્ય પશ્ચિમ દેશોની મદદથી તેણે ઈરાનના હુમલાને નિષ્ફળ બનાવી દીધો પરંતુ હજુ યુદ્ધ પૂરું થયું નથી. યોગ્ય સમયે જવાબ આપવામાં આવશે. ઈઝરાયેલનીઆ ધમકી પર અમેરિકાએ ચિંતા પણ વ્યક્ત કરી છે. અમેરિકાએ સ્પષ્ટ કહ્યું છે કે તે ઈરાન પર થયેલા જવાબી હુમલામાં તેનો સાથ નહીં આપે. જી-7 દેશોએ પણ ઈઝરાયેલના જવાબી હુમલાની ધમકી પર ચિંતા વ્યક્ત કરી છે. કહ્યું કે તેનાથી પશ્ચિમ એશિયા પર મોટા યુદ્ધનું જોખમ તોળાઈ રહ્યું છે. તેનાથી ફક્ત જાન માલનું જ નહીં પરંતુ વેપાર અને અન્ય ક્ષેત્રોમાં પણ દુનિયાએ નુકસાન ભોગવવું પડશે. 

આ મુસ્લિમ દેશે બચાવ્યું?
ઈરાન સાથે સંભવિત મહાયુદ્ધ વચ્ચે ટચૂકડો મુસ્લિમ દેશ જોર્ડન ઈઝરાયેલની પડખે જોવા મળ્યો. જોર્ડને રવિવારે ઈરાની હુમલાના જવાબમાં પોતાના ફાઈટર જેટ ઉતાર્યા. જોર્ડને ઈઝરાયેલની મદદ કરતા ઈરાની ડ્રોન અને મિસાઈલોને હવામાં ઉડાવ્યા. ઈઝરાયેલે જોર્ડનની આ મદદનો આભાર વ્યક્ત કર્યો છે. તેણે કહ્યું કે હમાસ સાથે જંગ વચ્ચે ઈરાનની આ હરકત ઉક્સાવનારી છે. અમેરિકા અને બ્રિટન સહિત અન્ય દેશોએ જે બહાદુરીથી ઈઝરાયેલની મદદ કરી તે પ્રશંસનીય છે. 

બીજી બાજુ જોર્ડન સેનાના પ્રવક્તા કર્નલ મહેમૂદ અલ સઉદે ઈરાનના હુમલાને ખોટો ગણાવ્યો અને કહ્યું કે અમારી વાયુસેનાએ જે બહાદુરીથી ઈરાનના હુમલાને નિષ્ફળ  બનાવ્યો તે પ્રશંસનીય છે. જોર્ડને સ્પષ્ટ કર્યું કે ઈરાનના હુમલા વિરુદ્ધ આ ઓપરેશને સાબિત કર્યું કે જોખમોનો જવાબ આપવામાં જોર્ડન કોઈનાથી પાછળ નથી. 

અમેરિકા બ્રિટન અને જોર્ડન સહિત અનેક દેશોએ ઈઝરાયેલને કરેલી મદદથી ઈરાન બરાબર અકળાયું છે. તેણે 300થી વધુ મિસાઈલો છોડી હતી જેમાંથી ફક્ત સાત જ જમીન પર પડી. ઈરાને ઈઝરાયેલની મદદ કરનારાઓને ચેતવણી આપતા કહ્યું કે તેના વિનાશકારી પરિણામો આવી શકે છે. અત્રે જણાવવાનું કે સૈન્ય બળના મામલે ઈરાન ઈઝરાયેલથી ક્યાંય આગળ છે. સૈન્ય ક્ષમતા, રક્ષા બજેટ, ટેંક, મિસાઈલોમાં ઈરાન ખુબ આગળ છે. ફક્ત પરમાણુ બોમ્બના મામલે ઈઝરાયેલ ઈરાન પર ભારે છે. ઈરાન પાસે કોઈ પરમાણું હથિયાર નથી. પરંતુ હાલમાં જ એક રિપોર્ટ આવ્યો હતો કે ઈરાન પાસે યુરેનિયમનો ખજાનો છે. જેનાથી તે પરમાણું બોમ્બ બનાવી રહ્યું છે અને પોતાના હથિયારોને અપગ્રેડ કરી રહ્યું છે. 

Zee 24 kalakના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news