ગુજરાતમાં આ ઉદ્યોગને મંદીનું સૌથી મોટું ગ્રહણ; 25 મિલો તો બંધ થઈ ગઈ, અનેકની નોકરીઓ જશે!

હીરા ઉદ્યોગ, અલંગ ઉદ્યોગ અને પ્લાસ્ટિક ઉદ્યોગ સહિત અનેક ઉદ્યોગો હાલ મંદીમાં સપડાયા છે, ત્યારે હવે રોલિંગ મિલો પણ કાચા માલની ઓછી આવક અને તૈયાર માલ વેચાણ નહિ થવાના કારણે ધીમી ગતિએ ચાલી રહી છે, જિલ્લામાં 80 રોલિંગ મિલો પૈકી 20 થી 25 જેટલી રોલિંગ મિલો તો બંધ પણ થઈ ચૂકી છે.

ગુજરાતમાં આ ઉદ્યોગને મંદીનું સૌથી મોટું ગ્રહણ; 25 મિલો તો બંધ થઈ ગઈ, અનેકની નોકરીઓ જશે!

નવનીત દલવાડી/ભાવનગર: ભાવનગર જિલ્લામાં પ્લાસ્ટિક ઉદ્યોગ બાદ રોલિંગ મિલ ઉદ્યોગને પણ મંદી નો માર સહન કરવાનો વારો આવ્યો છે. જિલ્લાના હીરા ઉદ્યોગ, અલંગ ઉદ્યોગ અને પ્લાસ્ટિક ઉદ્યોગ સહિત અનેક ઉદ્યોગો હાલ મંદીમાં સપડાયા છે, ત્યારે હવે રોલિંગ મિલો પણ કાચા માલની ઓછી આવક અને તૈયાર માલ વેચાણ નહિ થવાના કારણે ધીમી ગતિએ ચાલી રહી છે, જિલ્લામાં 80 રોલિંગ મિલો પૈકી 20 થી 25 જેટલી રોલિંગ મિલો તો બંધ પણ થઈ ચૂકી છે, પરંતુ મજૂરોને રોજગારી મળી રહે એ માટે એકાંતરે રજા રાખી ને પણ કામદારોને જાળવવા અને રોજગારી આપવાનો રોલિંગ મિલ માલિકો દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ભાવનગરમાં વર્ષો પહેલા 150 જેટલી રોલિંગ મિલો ધમધમતી હતી, પરંતુ સમયાંતરે સ્ક્રેપની આવક ઘટવા અને બહારના રાજ્ય માંથી ઓછા ભાવે તૈયાર માલ મળતો થતા રોલિંગ મિલોનો એ ધમધમાટ ઓછો થતો ગયો, ધીમે ધીમે રોલિંગ મિલો બંધ થવા લાગી જેના પરિણામે ભાવનગર જિલ્લામાં હવે 80 જેટલી મિલો રહી જવા પામી છે, ત્યારે હવે ફરી રોલિંગ મિલોના વળતા પાણી થયા હોય એવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે, જિલ્લામાં આવેલી 80 પૈકી 20 થી 25 જેટલી રોલિંગ મિલ કોઈને કોઈ કારણે બંધ થઈ ગઈ છે, રોલિંગ મિલ ઉદ્યોગના સહારે અંદાજે 5 હજારથી વધુ લોકો રોજગારી મેળવી રહ્યા છે.

પરંતુ હાલ રોલિંગ મિલ માટે જરૂરી એવા સ્ક્રેપની આવક ઘટી રહી છે, અને સામે અન્ય રાજ્ય માંથી સસ્તો માલ ગુજરાતમાં ઠલવાતો હોવાના કારણે ભાવનગર જિલ્લાની રોલિંગ મિલમાં તૈયાર થયેલ માલનું વેચાણ ઘટી રહ્યું છે, જેના કારણે હજ્જારો ટન તૈયાર માલ રોલિંગ મિલોમાં હાલ ધૂળ ખાઈ રહ્યો છે, જોકે હાલ પૂરતા પ્રમાણમાં કાચો માલ નહીં મળતા એકાંતરે રજા રાખી ને પણ કામદારો ને જાળવવા અને રોજગારી આપવાનો રોલિંગ મિલના માલિકો દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા આવી મંદી ના માહોલ માંથી પસાર થઈ બંધ થઈ રહેલી રોલિંગ મિલોને બચાવવા પ્રયાસ કરવો જોઈએ એવું મિલ માલિકો કહી રહ્યા છે.

રોલિંગ મિલોને મુખ્યત્વે ભાવનગર જિલ્લાના અલંગ ઉદ્યોગ પર આધાર રાખવો પડતો હોય છે, પરંતુ કોરોનાકાળ બાદ અલંગ ઉદ્યોગ પણ પડી ભાંગ્યો છે, નવા જહાજોની આવક ઓછી થતા રોલિંગ મિલો માટે જરૂરી રો મટીરીયલ મળતું બંધ થયું છે, જેના કારણે કાચો માલ બહારથી લાવવો પડે છે, જે માલ અહીંના સ્થાનિક માલ કરતા મોંઘો પડે છે, જ્યારે બહારથી આવતો તૈયાર માલ સસ્તો પડતો હોવાથી રોલિંગ મિલમાં તૈયાર થયેલ માલની ખપત ઓછી થઈ રહી છે, તૈયાર માલની ડિમાન્ડ ઘટી જતાં સપ્તાહમાં એકના બદલે 2 થી 3 રજા રાખવામાં આવી રહી છે, અને કામના કલાકોમાં પણ ઘટાડો કરી દેવામાં આવ્યો છે, જેની અસર મજૂરો પર થઈ રહી છે. 

કામ નહીં હોવાના કારણે જે રોલિંગ મિલોમાં 100 થી વધુ મજૂરોનો કાફલો જોવા મળતો હતો જેની સામે મજૂરોમાં અડધાથી વધુ ઘટાડો કરી દેવામાં આવ્યો છે, પરંતુ મજૂરો ને રોજગારી મળી રહે એ માટે મિલ માલિકો પ્રયત્ન કરી રહ્યા છે, સરકારી પ્રોજેકટ માટે અન્ય જિલ્લા કે રાજ્ય માંથી તૈયાર માલનો ઉપયોગ કરવામાં આવે છે, સરકાર અહીં સ્થાનિક મિલોમાં તૈયાર થયેલ માલની ખરીદી કરે તો એકંદરે ફાયદો થાય એમ છે, જે માટે રોલિંગ મિલ એસોસિએશન દ્વારા સરકારમાં યોગ્ય કરવા રજુઆત પણ કરવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news