Ahmedabad News: જો વિદ્યાર્થી શાળા બદલે તો તેની પાસેથી નવા સત્રની ફી લઈ શકાશે નહીં, વિગતો ખાસ જાણો

Gujarat Education: બાળકોના ઉજ્વળ ભવિષ્ય માટે સારું શિક્ષણ ખુબ જરૂરી છે. બાળકોનું ભાવિ સુધરે તો દેશનું પણ ભાવિ ચમકે છે. પણ ગુજરાતમાં તો જે રીતે શિક્ષણનું વેપારીકરણ જોવા મળી રહ્યું છે તે જોતા સ્થિતિ ચિંતાજનક લાગે છે. પણ આ બધા વચ્ચે હવે અમદાવાદ ડીઈઓએ ફી મુદ્દે એક પરિપત્ર ખાનગી શાળાઓ માટે બહાર પાડ્યો છે જેની વિગતો ખાસ જાણવી જરૂરી છે. 

Ahmedabad News: જો વિદ્યાર્થી શાળા બદલે તો તેની પાસેથી નવા સત્રની ફી લઈ શકાશે નહીં, વિગતો ખાસ જાણો

Gujarat Education: દરેક બાળકને સારું શિક્ષણ મળે તો જ તેનું ભવિષ્ય સુધરે છે અને દેશનું પણ ભાવિ ઉજળું થાય છે. પરંતુ ગુજરાતમાં તો છેલ્લા કેટલાક સમયથી શિક્ષણની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તે ચિંતાજનક છે. શિક્ષણ ક્ષેત્રે વેપારીકરણ એ હદે વધ્યું છે કે બાળકોના ઉજ્વળ ભવિષ્યને પણ જાણે ખાડે મૂકાઈ જતું લાગે છે. સ્કૂલ ફી રેગ્લુલેશન એક્ટ હેઠળ અનેક જોગવાઈઓ હોવા છતાં પણ કેટલીય શાળાઓ નિયમોનો છડેચોક ભંગ કરતી જોવા મળે છે ખાસ કરીને ફી મુદ્દે તો હવે હદ થઈ ગઈ છે. એવું પણ ધ્યાનમાં આવ્યું છે કે ઘણી શાળાઓ હજુ તો નવું શૈક્ષણિક વર્ષ શરૂ પણ ન થયું હોય કે ફી ઉઘરાવી લેવાનું શરૂ કરી દે છે. આ સમગ્ર મામલે અમદાવાદ શહેર ડીઈઓએ એક પરિપત્ર બહાર પાડ્યો છે અને કડક ચેતવણી ઉચ્ચારતો સર્ક્યૂલર શાળાઓને મોકલવામાં આવ્યો છે. શું છે તે પરિપત્રમાં તે ખાસ જાણો. 

કડક શબ્દોમાં ચેતવણી
અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા પહેલીવાર ફી અંગે આવો કોઈ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. ગુજરાત સ્વનિર્ભર સ્કૂલ ફી નિયમન એક્ટ 2017 હેઠળ અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા તમામ ખાનગી શાળા સંસાચકો અને આચાર્યોને પરિપત્ર મોકલવામાં આવ્યો છે. જેમાં ફી આદેશનું તથા શરતોનું સંપૂર્ણપણે પાલન કરવાનું કહેવાયું છે. 

નિર્ધારિત ફીથી વધુ ફી નહીં લઈ શકાય
સ્પષ્ટપણે કહેવાયું છે કે એફઆરસી દ્વારા નક્કી કરાયેલી ફીથી વધુ ફી શાળાઓ ઉઘરાવી શકશે નહીં. આ ઉપરાંત ફી રેગ્યુલેશન એક્ટની કલમ 7.6 મુજબ મંજૂર કરેલી એફઆરસી ઓર્ડરની કોપી વિદ્યાર્થીઓ અને વાલીઓ જોઈ શકે તેમ શાળાના નોટિસ બોર્ડ કે વેબસાઈટ પર રજૂ કરવી. 

શાળા શરૂ થાય તે પહેલા ફી ઉઘરાવી નહીં શકાય
એ પણ જણાવવામાં આવ્યું છે કે શાળા શરૂ થાય તે પહેલા ફી વસૂલ કરી શકાશે નહીં. નવું શૈક્ષણિક સત્ર શરૂ થયા બાદ શાળાઓ ફી લઈ શકશે અને તે પણ વધુમાં વધુ ત્રણ માસ સુધીની ફી જ ઉઘરાવી શકશે. અત્રે જણાવવાનું કે અમદાવાદની અનેક શાળાઓ ખાસ કરીને સીબીએસઈ દ્વારા નવું શૈક્ષણિક સત્ર શરૂ થયા પહેલા ફી ઉઘરાવવાની ફરિયાદો ડીઈઓ પાસે આવી હતી જેના પગલે પહેલીવાર આ પ્રકારનો કોઈ લેખિત આદેશ બહાર પાડવામાં આવ્યો છે. 

વિદ્યાર્થી શાળા બદલે તો નવા સત્રની ફીનું શું
અનેકવાર એવું બનતું હોય છે  કે ખાસ કરીને સીબીએસઈમાં કારણ કે આ શાળાઓમાં નવું શૈક્ષણિક વર્ષ એપ્રિલ મહિનાથી શરૂ થઈ જાય છે પછી વેકેશન પડે છે અને પછી પાછું શૈક્ષણિક કાર્ય શરૂ થાય છે. ત્યારે એવામાં જો વિદ્યાર્થીએ કોઈ કારણસર શાળા બદલવાનો વારો આવે તો શાળા દ્વારા વિદ્યાર્થીને પહેલા ક્વાર્ટર એટલે કે 3 મહિનાની ફી ભરવા માટે દબાણ કરવામાં આવે છે પરંતુ અમદાવાદ ડીઈઓના જણાવ્યાં મુજબ કોઈ પણ શાળા આ પ્રકારનું દબાણ કરી શકશે નહીં. જો એપ્રિલના પહેલા અઠવાડિયામાં વિદ્યાર્થી શાળા બદલે તો તેને નવા સત્રની ફી માટે સ્કૂલ દ્વારા દબાણ ન કરી શકાય. આમ છતાં જો કોઈ શાળા આવી સ્થિતિમાં વિદ્યાર્થીને ફી ભરવા માટે દબાણ કરતી જણાશે તો શાળા સામે કાર્યવાહી કરાશે. 

શું થશે કાર્યવાહી?
અમદાવાદ ડીઈઓએ આકરી ચેતવણી આપતા  કહ્યું છે કે જે તે શાળાઓ રેગ્યુલેશન એક્ટનું પાલન નહીં કરે અને નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલા જ શાળાઓ ફી ઉઘરાવતી જણાશે કે ફી કમિટી દ્વારા નિર્ધારિત ફી કરતા વધુ ફી લેશે તો જે તે શાળાની માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news