CSK vs SRH: ચેન્નઈ સુપર કિંગ્સનો 78 રને શાનદાર વિજય, ગાયકવાડ-દેશપાંડે છવાયા

IPL 2024: કેપ્ટન ઋતુરાજ ગાયકવાડના 98 રન બાદ તુષાર દેશપાંડેની 4 વિકેટની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સે આઈપીએલ 2024માં પોતાની પાંચમી જીત મેળવી છે. ચેન્નઈ હવે 10 પોઈન્ટ સાથે ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. 

CSK vs SRH: ચેન્નઈ સુપર કિંગ્સનો 78 રને શાનદાર વિજય, ગાયકવાડ-દેશપાંડે છવાયા

ચેન્નઈઃ ચેન્નઈ સુપર કિંગ્સે પોતાના હોમ ગ્રાઉન્ડ પર કમાલનું પ્રદર્શન કરતા સનરાઇઝર્સ હૈદરાબાદને 78 રને પરાજય આપ્યો છે. આ જીત સાથે ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે પોઈન્ટ ટેબલમાં મોટી છલાંગ લગાવી છે. ચેન્નઈ હવે 10 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 3 વિકેટે 213 રન બનાવ્યા હતા. જેના જવાબમાં સનરાઇઝર્સ હૈદરાબાદ 134 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. 

પાવરપ્લેમાં તુષાર દેશપાંડોનો શાનદાર સ્પેલ
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદની શરૂઆત ખરાબ રહી હતી. હૈદરાબાદે 40 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ટ્રેવિસ હેડ માત્ર 13 રન બનાવી આઉટ થયો હતો. અભિષેક શર્મા પણ 15 રન બનાવી શક્યો હતો. જ્યારે અનમોલપ્રીત સિંહ શૂન્ય રન બનાવી આઉટ થયો હતો. આ ત્રણેય સફળતા ચેન્નઈને તુષાર દેશપાંડેએ અપાવી હતી.

ક્લાસેન, માર્કરમ મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ
સનરાઇઝર્સ હૈદરાબાદ પ્રથમ બેટિંગ કરે ત્યારે શાનદાર પ્રદર્શન કરે છે. પરંતુ લક્ષ્યનો પીછો કરવામાં તેના બેટરો ફ્લોપ રહ્યાં છે. એડન માર્કરમ માત્ર 32 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે ક્લાસેને 21 બોલમાં માત્ર 20 રન બનાવ્યા હતા. અબ્દુલ સમદ પણ 19 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો.  

હૈદરાબાદનો કેપ્ટન પેટ કમિન્સ માત્ર 5 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. આ સિવાય શાહબાઝ અહમદે 7 અને ઉનડકટ 1 રન બનાવી આઉટ થયો હતો. ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી તુષાર દેશપાંડેએ 3 ઓવરમાં 27 રન આપી ત્રણ વિકેટ લીધી હતી. આ સિવાય મુસ્તફીઝુર રહમાન, મહીશા પથિરાનાને બે-બે તથા જાડેજા અને શાર્દુલને એક-એક વિકેટ મળી હતી.

કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ સદી ચૂક્યો
ચેન્નઈ સુપર કિંગ્સનો કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ શાનદાર ફોર્મમાં છે. ગાયકવાડે આજે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે કમાલની ઈનિંગ રમી હતી. ગાયકવાડની ઈનિંગની મદદથી ચેન્નઈ મોટો સ્કોર બનાવવામાં સફળ રહ્યું હતું. ગાયકવાડે 54 બોલમાં 10 ચોગ્ગા અને 3 સિક્સ સાથે 98 રન ફટકાર્યા હતા. ગાયકવાડ 2 રને સદી ચૂકી ગયો હતો.

ડેરલ મિચેલની આઈપીએલમાં પ્રથમ અડધી સદી
ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર ડેરેલ મિચેલે પણ આ મેચમાં શાનદાર પ્રદર્શન કરતા અડધી સદી ફટકારી હતી. મિચેલની આ પ્રથમ આઈપીએલ અડધી સદી છે. મિચેલે 32 બોલમાં 7 ચોગ્ગા અને 1 સિક્સ સાથે 52 રન ફટકાર્યા હતા. તેણે ગાયકવાડ સાથે બીજી વિકેટ માટે 107 રનની ભાગીદારી કરી હતી. 

ચેન્નઈ માટે શિવમ દુબેએ પણ માત્ર 20 બોલમાં 4 સિક્સ અને 1 ચોગ્ગા સાથે 39 રન ફટકારી દીધા હતા. શિવમ દુબે અંત સુધી અણનમ પણ રહ્યો હતો. જ્યારે ધોનીએ બે બોલમાં 5 રન બનાવ્યા હતા. અજિંક્ય રહાણે 9 રન બનાવી આઉટ થયો હતો. હૈદરાબાદ  તરફથી ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન અને જયદેવ ઉનડકટે એક-એક વિકેટ લીધી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news