ક્ષત્રિય આંદોલનનું નુક્સાન સરભર કરવા ભાજપે રણનીતિ બદલી, હવે આમના શરણે પહોંચ્યું

Loksabha Election 2024: ક્ષત્રિય આંદોલનનું નુકસાન સરભર કરવા માટે હવે ભાજપે સોરઠના સંતોની મદદ લેવાની જરૂર પડી હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. સોરઠના સંતોની અપીલને આગળ કરી ભાજપ માહોલ બદલવાનો પ્રયાસ કરી રહી છે. જેને પગલે ગુજરાતમાં નવા સમીકરણો બદલાયા છે.

ક્ષત્રિય આંદોલનનું નુક્સાન સરભર કરવા ભાજપે રણનીતિ બદલી, હવે આમના શરણે પહોંચ્યું

Loksabha Election 2024: ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન ભાજપ માટે ગાળાનું હાડકું બની ગયું છે. મોદીની સભાથી રૂપાલાને દૂર રાખવા છતાં આ મામલે નિવેડો આવ્યો નથી. ક્ષત્રિયો હવે ઝૂકવાના મૂડમાં નથી અને ભાજપના છેલ્લા પ્રયાસો પણ સફળ રહ્યાં નથી. ભાજપે ક્ષત્રિયોમાં ભાગલા પાડીને એમને સેફ ગેમ તો રમી છે પણ ક્ષત્રિયોની રણનીતિથી ભાજપ ટેન્શનમાં છે. છેલ્લી ઘડીએ પણ ક્ષત્રિયોએ સમાધાન ન કર્યું તો ભાજપને નુક્સાન ભોગવવાની તૈયારી રાખવી પડશે. ક્ષત્રિય આંદોલનની અસર રાજ્યની 7 લોકસભા બેઠક પર થવાની સંભાવના છે. ક્ષત્રિયોને મનાવવાના અનેક પ્રયાસો બાદ તેમાં સફળતા ન મળતા હવે ભાજપ સાધુ-સંતોને ચરણે પહોંચ્યો છે. સોરઠના સંતો પાસે થઈને ભાજપને નેતાઓ માંગી રહ્યાં છે આશીર્વાદ. આ અગાઉ પણ ભાજપના નેતાઓ લાલબાપુના શરણે ગયા હતા.

ગુજરાતમાં વિકાસ સાઈડલાઈન અને જ્ઞાતિવાદ હાવી-
ગુજરાતમાં ભાજપ લોકસભાની ચૂંટણીમાં સરકારની વાહવાહી અને વિકાસને મામલે નહીં પણ જ્ઞાતિવાદને આધારે લડી રહી છે. ખુદ ભાજપ વિવિધ જ્ઞાતિ સમાજના સંમેલનો યોજી રહી છે. ઉપરાંત વિવિધ સમાજોના આસ્થા કેન્દ્રોએ દર્શન કરવાનું પણ દરેક પક્ષના ઉમેદવારો ચૂકતા નથી. ઉમેદવારો એકબાદ એક સામાજિક સંમેલનો કરી જ્ઞાતિની વોટબેંકને બાજુમાં કરવાના પ્રયાસો કરી રહ્યાં છે. 

આસાન ગણાતી બેઠક પર હવે સમીકરણો બદલાયા:
જામનગર શહેરમાં શુક્રવારે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં ક્ષત્રિય  સમાજ હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો. ગુજરાતમાં 26માંથી 26 બેઠકો જીતવાના ભાજપના દાવા વચ્ચે સુરત એક બેઠક તો હવે બિનહરિફ થઈ ગઈ છે. ગુજરાતમાં સુરેન્દ્રનગરને સૌરાષ્ટ્રનું નાકું કહેવાય છે. જેનો કેટલોક વિસ્તાર ઝાલાવાડ તરીકે ઓળખાય છે. આ લોકસભા બેઠક એ કોળી સમાજનો ગઢ ગણાય છે. ભાજપ માટે આસાન ગણાતી આ બેઠક પર હવે સમીકરણો બદલાયા છે. ક્ષત્રિય આંદોલન વચ્ચે ભાજપ માટે સરળ ગણાતી સીટ હવે ટેન્શનનું કારણ બની છે. 

જય ભવાની ભાજપ જવાનીના નારાથી ક્ષત્રિયોએ આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપ વિરોધી મતદાન કરી અને કોંગ્રેસમાં મત આપવાનું આહવાન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરના જામ સાહેબની મુલાકાતે ગયા તે સંદર્ભે ક્ષત્રિય સમાજે જામ સાહેબને રામરામ કરી દીધા હતા. દિવાળી તેમજ નવા વર્ષના વાર તહેવારે જામસાહેબને રામ રામ ન કરવાની પ્રતિજ્ઞા ક્ષત્રિય સમાજે લીધી છે. 

ભાજપ હવે સંતોના શરણે પહોંચ્યુંઃ
સામાન્ય રીતે સંતો ધર્મનું રક્ષણ, સનાતન ધર્મનો પ્રચાર, સેવા-પૂજા, સેવાકીય પ્રવૃત્તિઓ સહિતના કાર્ય કરતા હોય છે. આવામાં, હવે કેટલાંક સંતોને પણ રાજકીય રંગ લાગ્યો હોય તેમ સોરઠના અનેક સંતોએ વીડિયો બનાવ્યા છે. તેમાં સંતો વધુમાં વધુ મતદાન કરી આડકતરી રીતે ભાજપને મત આપવા અપીલ કરતા જોવા મળે છે. ભાજપને ખબર પડી ગઈ છે કે આ ચૂંટણી ભારે બની ગઈ છે. હવે નેતાઓ 5 લાખની લીડનો મામલો ભૂલી ગયા છે. ભાજપ સારી રીતે જાણે છે કે 5 લાખની લીડ કરતાં હવે એક બેઠક ન જાય એનું ટેન્શન વધારે છે. ભાજપ માટે લોકસભાની ચૂંટણી એ કપરાં ચઢાણ બનતી જાય છે. અનેક સંતોએ જૂના રાગદ્વેષ ઉપરાંત કામ થયા કે ન થયા હોય એ તમામ બાબતોને ભૂલીને ભાજપને મત આપવાની મતદારોને ખુલ્લેઆમ અપીલ કરતા સમગ્ર ગુજરાતના રાજકારણમાં ભારે ચર્ચાનો મુદ્દો બન્યો છે.

રાજકારણમાં અનેક નેતાઓ ગુનાઓમાં સંડોવાયેલા હોય છે. આવી સ્થિતિના કારણે સારા લોકો કે ધર્મ સાથે જોડાયેલા લોકો સીધી રીતના પોતાના મનમાં રહેલી રાજકીય પક્ષ પ્રત્યેની ભાવના વ્યક્ત કરતા નથી. ક્ષત્રિય આંદોલનનું નુકસાન સરભર કરવા માટે હવે ભાજપે સોરઠના સંતોની મદદ લેવાની જરૂર પડી હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. સોરઠના સંતોની અપીલને આગળ કરી ભાજપ માહોલ બદલવાનો પ્રયાસ કરી રહી છે. જેને પગલે ગુજરાતમાં નવા સમીકરણો બદલાયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news